Saturday, April 28, 2012

આશા અમર છે.

આશા અમર છે. અમર પ્રેમ છે. પ્રેમ સલમાન છે. સલમાન કુંવારો છે. કુંવારો સુખી છે. સુખી ગાયક છે. ગાયક ગાય છે. ગાય માતા છે. માતા સ્ત્રી છે. સ્ત્રી શક્તિ છે. શક્તિ દૂધ છે. દૂધ સફેદ છે. સફેદ કલર છે. કલર ચેનલ છે. ચેનલ ચાલુ છે. ચાલુ આઈટમ છે. આઈટમ હોટ છે. હોટ સમર છે. સમર વેકેશન છે. વેકેશન લાંબુ છે. લાંબુ જીવન છે. જીવન યાત્રા છે. યાત્રા સાહસ છે. સાહસ વીર છે. વીર જવાન છે. જવાન અમર છે. -- ને આશા પણ અમર છે. સાલું બહુ કન્ફ્યુઝન છે આ તો !

Monday, February 27, 2012

અનારકલી

શહેર આખાયમાં ચર્ચાય છે એક જ કિસ્સો બકા,
કે અનારકલી મુજરો મૂકીને જાય છે ડિસ્કો બકા.

તારો હાથ, તારી બોલી અને તારો જ વિજય,
લે ઉછાળ શોલેનો આ ઐતિહાસિક સિક્કો બકા.

યાદ કર, ચાંદની રાતે રણની રેશમી રેતી પર,
તેં કહ્યું’તુ કે તુ મારો જ તો છે એક હિસ્સો બકા.

તારા અધર અને ગાલોના ગુલાબી રંગ સામે
શેડકાર્ડનો ગુલાબી રંગ લાગે છે ફિક્કો બકા.

ક હ્રિતિક નો ક, અને ખ શાહરુખનો ખ બસ ?
તું કહે એ સાચું, ને તારો જ ખરો કક્કો બકા

પ્રાસની પડીકી, લે શબ્દોની ફાકી, કવિ થવા
‘અધીર’ વધારી દાઢી પહેરી લે ઝભ્ભો બકા.

Thursday, December 08, 2011

શિયાળાનું જોડકણું

પડ રે ઠંડી
ફગાવો ગંજી બંડી
તાજું તાજું ઊંધિયુંને
ગાજરનો હલવો ખા !

Friday, December 02, 2011

અર્પણ ...

પહેલા એકવીસ લાખ કુંપળો
અને હવે અર્પણ કરું છું તને
સૂર્યનું બીજું કિરણ .....
...
...
...
મને ખાતરી જ છે કે તું પૂછીશ,
કે બીજું કેમ અને પહેલું કેમ નહિ ?
યાર, એકવીસ લાખ કુંપળો આપી
ત્યારે તો ફટ્ટ કરતી લઇ લીધી'તી.
તે વખતે પૂછવું'તુ ને
કે આટલી બધી તે હોતી હશે ?
યાર તારી કચકચ બહુ !

તને એ ગમશે ?

હું નેવાધારે પડતો હોઉં,
તું ઝરમર ઝરમર વરસે.
તું ભીની ભીની ઉભી હો,
ને હું, સાવ કોરોકટ.
તને એ ગમશે ?

તાપ

તારા ઊના શ્વાસોનો તાપ
તો આયનાઓ કદાચ જીરવી જશે,
પણ તારી હાજરીનો
હુંફાળો બાફ આયનાને
આંધળો કરશે તો
એ આયનાઓ કેમ જીરવશે ?

Friday, August 05, 2011

ના હોય...

જિંદગીની સિરીયલમાં બ્રેક ના હોય.
મોતનાં લાસ્ટ સીનમાં રિટેક ના હોય.

ગુજરાતી ને ઘોડા વચ્ચે ફેર તું સમજ,
અમારામાં બુદ્ધિ હોય સિક્સ પેક ના હોય.

ખાવા હોય તો ખા, આ લાડવા પડ્યા છે
છૂટાછેડાની એનિવર્સરી પર કેક ના હોય.

પીઠનાં દુખાવાના તું બીજા ઈલાજ શોધ,
પ્રેમની ઉષ્માનાં આમ કંઈ શેક ના હોય.

આપવું હોય તો રોકડું આપ અત્યારે જ
ચુંબનના કાઈ પોસ્ટ ડેટેડ ચેક ના હોય.

એક જ ચોપડામાં બધાં હિસાબો રાખે છે,
ચિત્રગુપ્તને ત્યાં વ્હાઈટને બ્લેક ના હોય

ચોરેલું દિલ તમારું એણે પાછુ સોંપ્યું
બધા બંદા ‘અધીર’ જેટલા નેક ના હોય.

~ અધીર અમદાવાદી

અડે છે ...

આખર તારીખોમાં સદા કડકી નડે છે,
અને પહેલી તારીખે ઉધારિયા નડે છે.

ભાઈ છોકરા છૂટાં પડે કુંભના મેળામાં,
પણ પતિ-પત્ની કદી ત્યાં છૂટા પડે છે?

ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગતો નથી,
ને અનાજ સરકારી ગોદામોમાં સડે છે.

વાંસળી, ગિટાર ને ઢોલ પણ બજે છે,
છોકરીને અડેલી હવા છોકરાને અડે છે.

પછી એની યાદોનું આખું ઝાડ ઉગે છે,
જુના પટારામાંથી ખાસ કાગળ જડે છે.

એ બોચિયાને તો ફેઈલ કરવો જોઈએ,
પેપર સારું જાય તોયે જે ખોટું રડે છે.

ભાઈ કીધો ને કંકોત્રી આપી એમણે ,
‘અધીર’ પડે છે ત્યારે સઘળું પડે છે !

Thursday, April 28, 2011

ખુબ ચચરે છે...

એ વાત પર ખુદ કુવો અચરજ કરે છે
ખારા પાણીથી પણ કોક ડબલું ભરે છે

મોંઘી કારને કોઈ સ્કુટી અથાડી જાય
પછી સુરતીના મ્હોમાંથી સુરતી સરે છે.

દુશ્મન કરે તો કમ અસર થાય એની,
દોસ્ત જો દગો કરે તો ખુબ ચચરે છે.

પ્લાસ્ટિકનાં ઝાડને પણ પાનખર હોય?
ચાઈનાનું હશે એટલે જ પાન ખરે છે.

‘શું વાત કહી’ પછી પ્રશ્નાર્થ મૂકી દીધો
આ તું દાદ આપે છે કે કચરો કરે છે ?

નેતાની ભાગીદારીમાં ધંધો કરી જાણ્યું
ટકાવારી ટેક્સને કેટલો ઓછો કરે છે !

હપ્તો ખાધો હશે, નહીતર કેમ બને ?
અમદાવાદમાં કૂતરું સસલાથી ડરે છે.

‘અધીર’ની ગઝલ તમારી વોલ પર,
તમે ગમો છો એને, તો ટેગ કરે છે !

http://www.divyabhaskar.co.in/article/GUJ-adhir-amdavadi-ghazal-2056727.html
(દિવ્ય ભાસ્કરની વેબ એડીશનમાં)

Monday, April 11, 2011

ના કર

મારા ઘડેલા પ્લાનને રમડભમડ ના કર
ઉપગ્રહની જેમ આસપાસ ભ્રમણ ના કર.

હળવા નાસ્તાને તું હળવો રાખે તો સારું
સવાર સવારમાં લાડવાનું જમણ ના કર.

એક હાથમાં કપ ને એક હાથમાં રકાબી
ટોવેલ પહેર્યો હોય ત્યારે આક્રમણ ના કર.

ઝખમ સુકાશે પછી આવશે ગુલાબી રૂઝ
નવરા બેઠા નાહક એને ખણખણ ના કર.

દેશની પત્તર ખંડાઈ છે આ જાતિવાદમાં
ફેસબુક પર તો વાણિયા બામણ ના કર.

દેખાય છે મને ચાંદ, એ પણ નરી આંખે
વચ્ચે આવીઆવીને આમ ગ્રહણ ના કર.

‘અધીર’તું હળવી વાતો કરે તો ગમે છે
આત્મકથા કહી ભારે વાતાવરણ ના કર.